
ગાંધીજીના મતે શિક્ષકો છેક પહેલા ધોરણથી ચરિત્રવાળા હોવા જોઈએ. પરંતુ શું વર્તમાન સમયમાં એવું છે ખરૂં? સમાચાર પત્રોમાં શાળાના શિક્ષકો દ્વારા બાળક-બાળકીઓ સાથે અશ્લિલ હરકતો અને શરીર સંબંધ બનાવ્યાના સમાચારો ચમકતા રહે છે. તો કેટલાક આવા કિસ્સાઓને ગમે તેમ કરીને દબાવી દેવામાં આવે છે. આજે આપણે એક તેવી જ ઘટનાની વાત કરીશું, જેમાં એક પ્રાથમિક શાળાના શિક્ષકે એક વર્ષથી પણ વધારે સમય સુધી બાળકોના શરીર સાથે રમતો કરતો રહ્યો છે. જ્યારે બાળકો તેનાથી માનસિક રીતે ખુબ જ વધારે પડતા હેરાન થઈ ગયા ત્યારે પોતાના વાલીઓને તેના વિશે જાણ કરવાની હિંમત કરી હતી. પરંતુ અંતે ગામની ઈજ્જતનને આગળ ધરીને કેસને દબાવી દેવામાં આવ્યો છે.
શાળામાં ચાલતી અશ્લિલ હરકતો વિશે વાલીઓને જાણ થતાં હલ્લાબોલ કરી દીધો હતો. વાત સામે આવ્યા પછી જાણવા મળ્યું કે શિક્ષક પાછલા એક વર્ષથી બાળકો સાથે અશ્લિલ હરકતો કરી રહ્યો હતો. શાળાના સીસીટીવી કેમેરા નાંખેલા છે પરંતુ શિક્ષને ખ્યાલ હતો કે ક્યાં બ્લાઇન્ડ સ્પોર્ટ્સ છે. તેથી તેનો તે ભરપૂર ફાયદો ઉઠાવતો હતો. ગામના સરપંચની દખલગીરીથી ઉપલા અધિકારીઓ સુધી વાત તો પહોંચાડવામાં આવી પરંતુ શિક્ષક અને આચાર્ય સામે જેવા પગલા ભરવાં જોઈએ તેવા ભરવામાં આવ્યા નહીં.
નાના બાળકો અને બાળકીઓ સાથે કેટલા હદ્દ સુધી શિક્ષકે અભદ્ર વ્યવહાર કર્યો હશે તે કોણ જાણે છે? એક વીડિયો થકી શિક્ષક સામે પગલા ભરવામાં તો આવ્યા પરંતુ તે વીડિયો કોણે ઉતાર્યો અને કેવી રીતે ઉતાર્યો તે સસ્પેન્સ છે. નાના બાળકોના શારીરિક શોષણનો વીડિયો ઉતારવો પણ એક પ્રકારનો ગંભીર પ્રકારનો ગુનો છે. તો પછી વીડિયો ઉતાર્યો અને તે શિક્ષણ જગતના ઉપલા અધિકારી સામે રજૂ કરવામાં પણ આવ્યો હોવાની માહિતી ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાસેથી મળી રહી છે. તે છતાં ન આચાર્ય સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે ન તો ગુનેગાર શિક્ષક સામે…
ગામના લોકોનું કહેવું છે કે, શિક્ષકને શાળાના આચાર્યનો પણ સાથ મળી રહેતો હતો. ગામજનોના આક્ષેપ પછી જ આચાર્યની બદલી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, જ્યારે આચાર્યને લાગ્યું કે, હું પણ શિક્ષક સાથે ફસાઈ જઈશ ત્યાર તેને સામે ચાલીને ઉપલા અધિકારીને આની જાણ કરી હતી. પરંતુ જાણ કરવામાં તેને ખુબ જ વિલંબ કર્યો. કેમ વિલંબ કર્યો? તે યક્ષ પ્રશ્ન છે. કેમ પહેલા જાણ કરી નહતી? આ તમામ પ્રશ્નના જવાબ હજું સુધી સામે આવ્યા નથી. આ દરમિયાન ગામના લોકોએ શિક્ષક સામે પૂરાવાના પૂરે એક વીડિયો અને તેના સામે ગામ લોકોની સહી કરેલી એક અરજી પણ આપવામાં આવી છે. આ તમામ પ્રકારની માહિતી ગામના લોકો દ્વારા આપવામાં આવી છે. તો શિક્ષક બાળકો સાથે અશ્લિલ હરતો કરતો હોવાનું નિવેદન શિક્ષણ જગતના ઉપલા અધિકારી પોતે પણ આપ્યું છે.
જ્યારે ઉપલા અધિકારીને પૂછવામાં આવ્યું હતુ કે, શિક્ષક બાળકીઓ સાથે ચેડા કરતો હતો કે બાળકો સાથે તો તેનો જવાબ તેમને ગોળ-ગોળ આપ્યો હતો. તેમને જણાવ્યું હતુ કે, એમાં તો બધા બાળક આવી જાય. એટલે માની લેવાનું કે શિક્ષક બાળકીઓની સાથે-સાથે બાળકો સાથે પણ શારીરિક અડપલા કરતો હતો.
સરસ્વતીના ધામમાં બાળકો સાથે અશ્લિલતા જેવી ગંભીર હરકત કરનારાઓ સામે પોક્સો હેઠળ કેસ નોંધવાની જગ્યાએ ઉપલા અધિકારીએ પણ માત્રને માત્ર ખાતકીય તપાસ કરવાનુ તરકટ રચ્યું હોવાનું દેખાઈ રહ્યુ છે. જ્યારે વાત બાળકોના ભવિષ્ય સાથે અશ્લિલ હરકત કરીને શારીરિક છેડછાની કરવાની આવતી હોય ત્યારે ખાતકીય તપાસ નહીં પરંતુ પોલીસ તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી જવું જોઈએ.
તે વાત અલગ છે કે, શિક્ષક શાળામાં સમયસર આવતો નહોય, ગેરહાજર વધારે રહેતો હોય અથવા શિક્ષણ આપવામાં કાચો ઉતરતો હોય તો તેના સામે તમે ખાતાકીય તપાસ ગોઠવી શકો છો પરંતુ ગંભીર પ્રકારનો ગુનો હોવા છતાં જ્યારે તમે એક્શન લેવામાં ઉણા ઉતરો છો તો શિક્ષણ જગતમાં રહેલા અન્ય લફંગા પ્રકારના શિક્ષકોને ખુલ્લુ મેદાન આપી રહ્યા છો.
આ કેસને લઈને શિક્ષણ જગતના ઉપલા અધિકારીઓ ઉપર પણ શંકાના દાયરામાં આવી ગયા છે. કેમ કે ગંભીર પ્રકારના કેસમાં પોલીસને જાણ કરીને તપાસ કરાવવી જરૂરી હોવા છતાં તેમને અંદરોદર કેસની પતાવત કરીને વાત પણ બહાર આવવા દીધી નથી. સુત્રો પાસેથી મળી રહેલી જાણકારી પ્રમાણે શિક્ષકને માત્ર કામ ચલાઉ રીતે ફરજમોકૂફ કરીને થોડા દિવસ ઘરે બેસાડી દીધો છે, જ્યારે આચાર્યની બદલી કરીને તેમને કામ ઉપર લઈ લેવામાં આવ્યા છે.
શિક્ષણ જગતના ઉપલા અધિકારીનું કહેવું છે કે, જો શિક્ષક સામે યોગ્ય પૂરાવા મળશે નહીં તો તેને પણ અમારે પાછો લેવો પડશે. આ નિવેદન પછી એવું લાગી રહ્યું છે કે, કંઈક તો ખિચડી પાકી છે. તો કથિત રીતે ખિચડી પાકવાના સમાચાર પણ સામે આવ્યા જ છે. ગામડાથી પાલનપુર સુધી તેનો ગણગણાટ છે. વાલીઓમાં આને લઈને આક્રોશ પણ છે. સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, બાળકીઓ સાથે વિદ્યાના મંદિરમાં અશ્લિલ હરકતો કરનારાઓને બચાવવા માટે પ્લાનિંગ સાથે કામ કરવામાં આવ્યું છે.
બાળકીઓની ઓળખ છતી થઈ જશે તેવું કહીને વાલીઓનું મોઢું બંધ કરાવનારાઓ પણ ગુનામાં ભાગીદાર છે. આપણા દેશમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પીડિતની ક્યારેય ઓળખ છતી કરવામાં આવતી નથી. સમાચાર પત્રોમાં પણ નામ બદલી દેવામાં આવે છે. આગામી સમયમાં આઝાદ ગુજરાત તમામ ગુનેગારોને ખુલ્લા પાડશે.
ઉલ્લેખનિય છે કે, સલામત ગુજરાતની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે પણ વાસ્તવિકતા એછેકે, ગુજરાતમાં આજેય વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ સલામત નથી. ઇન્ટર નેશનલ ડેવલપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટયુટ અને સ્વાતિ સંસ્થાએ સંયુક્તપણે સુરેન્દ્રનગર જિલ્લાના 16 ગામડાઓમાં સર્વે કરતાં જાણવા મળ્યું કે, 30 ટકા વિદ્યાર્થીનીઓએ જાતિય સતામણીના કારણે જ શાળામાં અભ્યાસ કરવાનું છોડયુ હતું. એટલું જ નહીં, ગ્રામિણ વિસ્તારમાં 38 ટકા મહિલાઓ જાતિય સતામણીનો ભોગ બની છે. શહેરોની જેમ જ હવે ગામડાઓમાં ય જાતિય સતામણીની સમસ્યા ચિંતાજનક હદે વકરી છે. તો બીજી તરફ લપંડ શિક્ષકોને બચાવી લઈને જાતિય સતામણીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ સમાચાર લખાય છે તે પહેલા શિક્ષક સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનું કૉટ લઈ શકાયું નહતું. જ્યારે આચાર્ય સાથે સંપર્ક થઈ શક્યો નહતો. તેથી આગામી સમયમાં લંપટ શિક્ષક અને આચાર્યના નામે સાથે તેમની અશ્લિલતાને ઉજાગર કરવામાં આવશે.