
ભારતે બાંગ્લાદેશને આપવામાં આવતી નિકાસ સુવિધા રદ કરી, શું છે કારણ?
ભારતે બાંગ્લાદેશને આપવામાં આવતી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી દીધી છે. જોકે, ભારતના માર્ગે નેપાળ અને ભૂટાનને થતી બાંગ્લાદેશની નિકાસ માટે આ સુવિધા ચાલુ રહેશે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બાંગ્લાદેશને આપવામાં આવતી આ સુવિધાને કારણે તેના એરપોર્ટ અને બંદરો પર ભીડ વધી ગઈ હતી. આ સ્થળોએ કન્ટેનરોની સંખ્યા વધવાથી ભારતની પોતાની નિકાસ પ્રભાવિત થઈ રહી હતી.
ટ્રાન્સશિપમેન્ટ એટલે કોઈ એક દેશથી બીજા દેશમાં નિકાસ દરમિયાન વચ્ચે આવતા કોઈ ત્રીજા દેશના માર્ગનો ઉપયોગ કરવાની સુવિધા. બાંગ્લાદેશ અનેક દેશોમાં પોતાનો માલ નિકાસ કરે છે, જેમાંથી કેટલાક દેશોની નિકાસ ભારતના માર્ગે થાય છે. તાજેતરના દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે.
ભારત સરકારના કેન્દ્રીય પરોક્ષ અને સીમાશુલ્ક બોર્ડે 8 એપ્રિલે એક પરિપત્ર જારી કરીને 29 જૂન 2020ના તે પરિપત્રને પાછો ખેંચી લીધો છે, જેના હેઠળ ભારતે બાંગ્લાદેશને પોતાના એરપોર્ટ અને બંદરોમાંથી કોઈ ત્રીજા દેશમાં નિકાસની સુવિધા આપી હતી.
આથી ભૂટાન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોમાં બાંગ્લાદેશની નિકાસને સરળતા મળી રહી હતી.
ભારત સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકાએ ભારત અને બાંગ્લાદેશ સહિત અનેક દેશો પર ભારે ટેરિફ લગાવી દીધા છે.
યુનુસ-મોદી મુલાકાતમાં સંબંધો સુધારવા પર ભાર
ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન બાદ શેખ હસીનાની સરકારના પતન પછીથી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. શેખ હસીના ગયા વર્ષે 5 ઓગસ્ટે ભારત આવી હતી. ત્યારબાદ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સતત ભારત પાસેથી શેખ હસીનાને પાછા મોકલવાની માગણી કરતી રહી છે, પરંતુ ભારતે તેનો ઇનકાર કર્યો છે.
પાકિસ્તાન અને ચીન સાથે બાંગ્લાદેશની વધતી નિકટતા પણ બંને દેશોના સંબંધોને વધુ જટિલ બનાવી રહી છે.
તાજેતરમાં થાઇલેન્ડમાં બિમ્સટેક સંમેલન દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતમાં હિન્દુઓની સુરક્ષા અને શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.
પીએમ મોદીની કચેરીએ જારી કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે વડાપ્રધાને બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશ સરકાર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે, જેમાં તેમની સામે થયેલા અત્યાચારોના કેસોની ઊંડી તપાસનો પણ સમાવેશ થાય છે.
આ મુલાકાત વિશે બાંગ્લાદેશ તરફથી જારી નિવેદનમાં જણાવાયું હતું કે પ્રોફેસર યુનુસે પીએમ મોદી સામે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ ભારત સાથેના પોતાના સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે.
પ્રોફેસર યુનુસે કહ્યું હતું, “ભૂતપૂર્વ વડાપ્રધાન (શેખ હસીના)એ અનેક મીડિયા આઉટલેટ્સમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા અને બાંગ્લાદેશમાં પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જે ભારત તરફથી આપવામાં આવેલી મહેમાનગીરીનો દુરુપયોગ છે.” તેમણે ઉમેર્યું, “બાંગ્લાદેશની વચગાળાની સરકાર સામે તેઓ સતત ખોટા અને ઉશ્કેરણીજનક આરોપો લગાવી રહ્યાં છે. અમે અપીલ કરીએ છીએ કે તમારા દેશમાં રહીને આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપતા ભારત સરકાર તેમને રોકે.”
આ પણ વાંચો- તમિલનાડુ: માત્ર વિધેયકો જ નહીં, મુસ્લિમ કેદીઓની મુક્તિ સાથે જોડાયેલા નિર્ણયો પણ રાજ્યપાલે રોક્યા હતા
પૂર્વોત્તર પર યુનુસના નિવેદનથી વિવાદ
આ પહેલાં મોહમ્મદ યુનુસની ચીન મુલાકાત દરમિયાન ભારતના પૂર્વોત્તર રાજ્યો વિશે આપેલા નિવેદનથી પણ ભારત-બાંગ્લાદેશ સંબંધોને લઈને ચિંતા વધી હતી. તેમણે ભારતના પૂર્વોત્તરના સાત રાજ્યોને લેન્ડલોક્ડ (ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું) વિસ્તાર ગણાવ્યું હતું અને બાંગ્લાદેશને આ વિસ્તારમાં સમુદ્રનું એકમાત્ર રક્ષક ગણાવીને ચીન પાસે અહીં આર્થિક પ્રવૃત્તિઓ વધારવાની અપીલ કરી હતી.
આ મુલાકાત દરમિયાન બાંગ્લાદેશને ચીન અને તેની કંપનીઓ તરફથી લગભગ 2.1 અબજ ડોલરનું રોકાણ, લોન અને અનુદાનના રૂપમાં મદદનું આશ્વાસન મળ્યું હતું. યુનુસે કહ્યું હતું, “ભારતના સાત રાજ્યો… ભારતનો પૂર્વીય ભાગ… જેને સેવન સિસ્ટર્સ કહેવાય છે, તે ભારતનો લેન્ડલોક્ડ વિસ્તાર છે. સમુદ્ર સુધી પહોંચવાનો તેમનો કોઈ રસ્તો નથી. આ આખા વિસ્તાર માટે સમુદ્રનું એકમાત્ર રક્ષક અમે છીએ. આ મોટી સંભાવનાઓના દ્વાર ખોલે છે.”
તેમણે આગળ કહ્યું હતું, “તેથી આ ચીની અર્થવ્યવસ્થા માટે વિસ્તરણ બની શકે છે… વસ્તુઓ બનાવો, ઉત્પાદન કરો… વસ્તુઓ બજારમાં લઈ જાઓ… વસ્તુઓ ચીનમાં લઈ આવો અને બાકીના વિશ્વ સુધી પહોંચાડો.” યુનુસે જળ સંસાધનોને લઈને નેપાળ અને ભૂટાનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું, “નેપાળ અને ભૂટાન પાસે અમર્યાદિત હાઇડ્રો પાવર છે. અમે તેનો ઉપયોગ આપણા હેતુ માટે કરી શકીએ છીએ, ફેક્ટરીઓ સ્થાપી શકીએ છીએ અને બાંગ્લાદેશના માધ્યમથી તમે ગમે ત્યાં જઈ શકો છો કારણ કે સમુદ્ર આપણી પાછળ જ છે.”
ચીનને લઈને તેમણે કહ્યું હતું, “એ જરૂરી નથી કે તમે તમારા દેશમાં કંઈક ઉત્પાદન કરો અને વિશ્વને વેચો, પરંતુ બાંગ્લાદેશમાં ઉત્પાદન કરો અને ચીનમાં પણ વેચો. આ તે તકો છે જેનો અમે લાભ લેવા માગીએ છીએ.” તેમણે ઉમેર્યું હતું કે બાંગ્લાદેશમાં વસ્તુઓનું ઉત્પાદન કરવું સરળ છે.
યુનુસના આ નિવેદન પર અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે એક્સ પર લખ્યું હતું, “બાંગ્લાદેશની કહેવાતી વચગાળાની સરકારના મોહમ્મદ યુનુસનું ભારતના પૂર્વોત્તરના સેવન સિસ્ટર્સ રાજ્યોને લેન્ડલોક્ડ ગણાવવું અને બાંગ્લાદેશને તેમના માટે સમુદ્ર સુધી પહોંચનું એકમાત્ર રક્ષક ગણાવવું, નિંદનીય અને આપત્તિજનક છે.”
તેમણે લખ્યું હતું, “આ ટિપ્પણી ભારતના રણનીતિક ‘ચિકન નેક’ કોરિડોર સાથે જોડાયેલા જોખમના સતત નેરેટિવને રેખાંકિત કરે છે. ઐતિહાસિક રીતે ભારતની અંદરના તત્ત્વોએ પણ પૂર્વોત્તરને મુખ્ય ભૂમિથી કાપવાનું ખતરનાક સૂચન કર્યું છે. તેથી, ચિકન નેક કોરિડોરની નીચે અને આસપાસ વધુ મજબૂત રેલવે અને રોડ નેટવર્ક વિકસાવવું જરૂરી છે.”
હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું, “મોહમ્મદ યુનુસના આવા ઉશ્કેરણીજનક નિવેદનોને હળવાશથી ન લેવા જોઈએ, કારણ કે તે ઊંડા રણનીતિક વિચારો અને લાંબા સમયથી ચાલતા એજન્ડાને પ્રતિબિંબિત કરે છે.”
બાંગ્લાદેશમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર વીણા સીકરીએ આ વિશે પૂછાયેલા સવાલના જવાબમાં બીબીસીને જણાવ્યું હતું, “ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર માર્ગો વિશે સચોટ સરહદ કરાર છે અને તેનું સન્માન થવું જોઈએ.” તેમણે કહ્યું, “બાંગ્લાદેશના હાલના નેતૃત્વ દ્વારા ભારતના પૂર્વોત્તરને લેન્ડલોક્ડ ગણાવવાના નિવેદનનું હું કોઈ તર્ક સમજી શકતી નથી.”
સાઉથ એશિયન યુનિવર્સિટીના પ્રોફેસર ધનંજય ત્રિપાઠીએ બીબીસી સાથે આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું, “ચીનમાં ભારતના પૂર્વોત્તર રાજ્યોનો ઉલ્લેખ કરતી વખતે મોહમ્મદ યુનુસ ભૂલી જાય છે કે આ ભારતનો ભાગ છે. બાંગ્લાદેશના જવાબદાર રાજકીય વ્યક્તિ તરીકે તેમણે કોઈ ત્રીજા દેશમાં આ વિશે ચર્ચા ન કરવી જોઈએ કારણ કે આ સારી રાજનૈતિક પ્રથા નથી.”
તેમણે કહ્યું, “પૂર્વોત્તર લેન્ડલોક્ડ નથી અને ભારતનો ભાગ છે. આ ભાગ વિશે જો ચીન સાથે વાત કરવી હોય તો ભારત પોતે કરી શકે છે. જો યુનુસ ભારત સાથે વધુ સારું આર્થિક એકીકરણ ઇચ્છે છે તો દ્વિપક્ષીય અભિગમ વધુ અસરકારક હોઈ શકે છે. જોકે, આ માટે બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતાની જરૂર પડશે, જે હાલમાં ગંભીર ચિંતાનો વિષય છે.”
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે મોહમ્મદ યુનુસના નિવેદનને ‘ખતરનાક વિચાર’ ગણાવ્યો હતો.
આ પણ વાંચો- હવે ચીને ટ્રમ્પના ટેરિફનો જવાબ આપ્યો, અમેરિકા પર 84 ટકા ટેક્સ લગાવ્યો, યુરોપિયન યુનિયન પણ જવાબી ટેરિફ લગાવશે