
- અદાલતોનું કામ મોરલ પોલીસિંગ કરવું નથી: સર્વોચ્ચ અદાલત
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જૈન ધર્મના એક સાધુ પર ટિપ્પણી કરવા બદલ સંગીતકાર વિશાલ દદલાની અને રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલા પર 10-10 લાખ રૂપિયાનો ભારે દંડ લગાવવાના વર્ષ 2019ના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે (8 એપ્રિલ) જણાવ્યું હતું કે અદાલતોને ‘મોરલ પોલીસિંગ’નું કામ સોંપવામાં આવ્યું નથી અને તેઓએ ન્યાયના નામે મૂલ્ય-આધારિત નિર્ણયો આપવાનું ટાળવું જોઈએ.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાંની ખંડપીઠે હાઈકોર્ટના તે આદેશને ફગાવી દીધો, જેમાં જૈન ધર્મના સાધુ તરુણ સાગર પર સોશિયલ મીડિયા પોસ્ટ માટે બંને સામે કોઈ ગુનાહિત કેસ ન બનતો હોવા છતાં દંડ લગાવવામાં આવ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ‘અદાલતનું કામ ‘મોરલ પોલીસિંગ’ કરવાનું નથી.’ સાથે જ એમ પણ કહ્યું કે હાઈકોર્ટે સંવિધાનના અનુચ્છેદ 19(1)(એ) હેઠળ અરજદારોના બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારને સ્પષ્ટપણે જાળવી રાખ્યો હતો.
ખંડપીઠે ચુકાદો સંભળાવતાં કહ્યું, ‘એ નક્કી થયા પછી કે અરજદારે કોઈ ગુનો કર્યો નથી, તેમના અને અન્ય અરજદારો પર દંડ લગાવવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.’
આ પણ વાંચો-તમિલનાડુ રાજ્યપાલ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય અન્ય રાજ્યો માટે પણ મોટી જીત, જાણો શા માટે
સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ, હાઈકોર્ટ આ હકીકતથી ‘પ્રભાવિત’ થઈ હતી કે ટિપ્પણી એક ધાર્મિક ગુરુ પર કરવામાં આવી હતી. ખંડપીઠે કહ્યું, ‘કદાચ હાઈકોર્ટ આ વાતથી પ્રભાવિત હતી કે અરજદાર અને આરોપી તરીકે રજૂ કરાયેલા બીજા વ્યક્તિએ બીજા ધર્મના પૂજારીની ટીકા કરી હતી.’
કોર્ટે આગળ જણાવ્યું કે ગુનાહિત કાર્યવાહી રદ કર્યા પછી અદાલતે નૈતિક ટિપ્પણીના દાયરામાં આવવું ન જોઈએ.
આ કથિત વિવાદ ઓગસ્ટ 2016માં શરૂ થયો હતો, જ્યારે વિશાલ દદલાની અને પૂનાવાલાએ હરિયાણા વિધાનસભાને સંબોધવા માટે જૈન ધર્મના સાધુ તરુણ સાગરને આમંત્રિત કરવાના હરિયાણા સરકારના નિર્ણયની ટીકા કરી હતી.
એક્સ પર બંનેની ટિપ્પણીઓને કેટલાક લોકોએ આપત્તિજનક ગણી હતી, જેના કારણે અંબાલા છાવણી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 295-એ (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે જાણીજોઈને કરેલા કૃત્ય), 153-એ (શત્રુતા વધારવી) અને 509 (કોઈ સ્ત્રીના સન્માનને ઠેસ પહોંચાડવા માટે શબ્દ, હાવભાવ કે કૃત્ય) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
બાદમાં દદલાની અને પૂનાવાલાએ એફઆઈઆર રદ કરવા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો. મે 2019માં હાઈકોર્ટે સ્વીકાર્યું કે તેમણે કોઈ ગુનો કર્યો નથી. છતાં, હાઈકોર્ટે જૈન સમુદાય સાથે ‘ન્યાય’ કરવા માટે બંને અરજદારો પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
અદાલતે તરુણ સાગરના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો અને અરજદારોની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે ખાસ જાણકારી વિના આ ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણી અને અશાંતિની વધતી વૃત્તિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ દંડ નિવારક તરીકે કામ કરશે.
જોકે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જ્યારે કોઈ ગુનો સાબિત ન થયો હોય ત્યારે આવી શરત રાખવી અયોગ્ય હતી. ખંડપીઠે કહ્યું, ‘એ નક્કી થયા પછી કે અહીં કોઈ ગુનાહિત કેસ બનતો નથી, અને સીઆરપીસીની કલમ 482 હેઠળ એફઆઈઆર રદ કરતી વખતે હાઈકોર્ટે અરજદારને એમ કહીને પોતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ ન કરવો જોઈએ કે સાધુએ આપેલું યોગદાન અરજદાર અને કેસમાં અન્ય સહ-આરોપીઓની સરખામણીમાં ઘણું વધારે હતું.’
10 લાખ રૂપિયાના દંડના હાઈકોર્ટના નિર્ણયને બાજુએ મૂકતાં સુપ્રીમ કોર્ટે આ વાત પર ભાર મૂક્યો કે ન્યાયિક સત્તાએ પોતાની સંવૈધાનિક મર્યાદાઓમાં રહેવું જોઈએ.
આ પણ વાંચો- તમિલનાડુ: માત્ર વિધેયકો જ નહીં, મુસ્લિમ કેદીઓની મુક્તિ સાથે જોડાયેલા નિર્ણયો પણ રાજ્યપાલે રોક્યા હતા