
- બનાસકાંઠા/મેપડા કેસ: શિક્ષણ તંત્રની રહેમનજર હેઠળ બાળકોના ન્યાયની ઉડાડી મજાક
રાજ્યમાં બાળકોનું જાતિય શોષણથી રક્ષણ અધિનિયમ, 2012 (POCSO Act)ની કલમ 21 હેઠળ, જાતિય શોષણની જાણ થવા છતાં તેની ફરિયાદ ન કરવી એ દંડનીય ગુનો છે. જો શિક્ષણ અધિકારીએ આવા આરોપોને દબાવ્યા હોય, તો તેમની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અથવા POCSO કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની જોગવાઇ છે.
આપણા સંવિધાનમાં બાળકોના રક્ષણ માટે મજબૂત કાયદા બનાવ્યા હોવા છતાં કાયદાનું જ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયની સરકારમાં તંત્રની રહેમનજર હેઠળ બાળકોનું એક-એક વર્ષ સુધી જાતિય શોષણ કરનારા શિક્ષકને નામનો સસ્પેન્ડ કરીને છોડી મૂકવામાં આવે છે તો શિક્ષકને છાવરનાર આચાર્યની નાટકીય બદલી કરવામાં આવી હોવાનું પૂરવાર થઈ ગયું છે.
નામની બદલી એટલા માટે લખવામાં આવે છે કેમ કે, એક મહિનામાં તો આચાર્ય પોતાની નિયત જગ્યા એટલે કે મેપડા પ્રાથમિક શાળામાં ફરીથી હાજર થઈ ગયા છે. આ બધુ બન્યું છે જિલ્લા પ્રાઈમરી શિક્ષણ અધિકારીની છત્રછાયા નીચે.. આઝાદ ગુજરાતે પહેલા જ કહ્યું હતુ કે, આચાર્યને મેપડા ગામમાં પરત લાવવા માટે પાંસા નંખાઈ ગયા છે. જે વાત સાચી સાબિત થઈ છે. નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને પ્રથમ સ્ટોરી વાંચી શકો છો..
આ અંગે જવાબ લેવા માટે વિનુ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહતો. તેઓ ફોન રિસિવ કર્યો નહતો, તો ઓફિસમાં પણ તેઓ હાજર મળ્યા નહતા. જે કેસમાં ફોજદારી કાર્યવાહી અને પોક્સો હેઠળ કેસ નોંધવાનો હોય તેવા કેસમાં તેઓ પોતે નાટકીય રીતે તપાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાઓને છોડી મૂકવાને લઈને તેમનું નિવેદન લેવા માટે તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ મળ્યા નહતા. આ અંગે તેમનો જવાબ આગળની સ્ટોરીમાં ટાંકીશું.
શિક્ષક દ્વારા બાળકો સાથે કરેલા જાતિય શોષણ જેવા ધૃણાસ્પદ કૃત્યને નજર અંદાજ કરીને સમયસર પગલાં ન ભરનારા આચાર્ય ઉપર ગામલોકોએ શિક્ષક સાથે મીલિભગતનો આરોપ લગાવ્યો હતો. તેથી જ તેમની બદલી કરવાની ફરજ પડી હતી.

તેથી 29 મેના દિવસે મેપડા શાળાના આચાર્ય મહેબૂબ પરમારની બદલી અમીરગઢમાં કરી દેવામાં આવી હતી. તો શિક્ષક મોહસીન અલીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ બંને સામે ખાતકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ બંને ઉપર ફોજદારી કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું. તે પણ એક સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે.
હાલમાં જ આવા એક કેસમાં ભેંસાણમાં આચાર્ય અને એક શિક્ષક સામે ફોજદારી કેસ કરીને પોલીસ કાર્યવાહી કરવામાં આવી હત પરંતુ અહીં તો તંત્ર બાળકોના રક્ષણની તમામ કલમોને ગોળીને પી જવાનું કામ વિનુ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.
જાતિય શોષણ કરનારાઓને છાવરવામાં આવશે તો કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત? જ્યારે શાળાના જવાબદાર ભૂમિકામાં રહેલા અને ઉચ્ચ સ્થાન પર બેસેલા જ બાળકોનું જાતિય શોષણ કરશે તો બાળકોની રક્ષણની જવાબદારી કોણ ઉપાડશે? મેપડાના કેસમાં તો દંડ અને કાયદાકીય કાર્યવાહી તો દૂરની વાત રહીં પરંતુ અહીં તો આચાર્યને પરત મેપડાની શાળામાં જ લાવીને મૂકી દેવામાં આવ્યા અને તે પણ એક મહિનાની અંદર…
બનાસકાંઠાના શિક્ષણ જગતમાં ટકે શેર ભાજીને ટકે શેર ખાજા જેવો ઘાટ સર્જાયો છે. જ્યારે દંડનાર જ બચાવનાર બચી જાય તો પછી શિક્ષકો ખરાબ કૃત્યો કરતાં અચકાશે ખરા… તેમને કોણ દંડશે?
જણાવી દઈએ કે મેપડાની માધ્યમિક શાળામાં મહેબૂબ પટેલે કાર્યભાર સંભાળી લીધો છે. પોતાના નજીકના લોકો દ્વારા મહેબૂબ પરમારની ફૂલમાળા પહેરાવીનો આવકારવામાં આવ્યો હતો. રાજ્યમાં ગંભીર આરોપ લાગ્યા હોવા છતાં અનેક કેસોમાં ફૂલમાળા પહેરાવીને વેલકમ કરવાનો ચિલો પાછલા કેટલાક સમયથી ચાલ્યો હોવાનું દેખાઈ રહ્યો છે.
આ ઘટના ગુજરાતના શિક્ષણ તંત્રમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવને ઉજાગર કરે છે. બાળકોના જાતિય શોષણ જેવા ગંભીર આરોપોમાં માત્ર બદલી કે સસ્પેન્શન પૂરતી નથી; ફોજદારી કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસ જરૂરી છે. વિનુ પટેલની નિષ્ક્રિયતા અને આચાર્યની ફૂલમાળા સાથે પુનઃનિયુક્તિ એ ન્યાયની વ્યવસ્થા પરના લોકોના વિશ્વાસને નબળો પાડે છે.
જણાવી દઈએ કે, મેપડાની પ્રાથમિક શાળામાં બાળકો સાથે થયેલા કાંડ વિશે આગામી સમયમાં વધુ પ્રકાશ પાડવામાં આવશે. આ કેસમાં એક નહીં અનેક ગેરકાયદેસર કામ થયાં છે. તે અંગે આગળ ખુલાસાઓ કરવામાં આવશે.