
વડગામ: બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા મુમનવાસ ગામ રામ ભરોશે છે. પાંચ હજારથી વધારે વસ્તી ધરાવતા ગામ અંબાજી-દાંતા હાઇવે ઉપર આવ્યો હોવા છતાં ગામના રોડ-રસ્તાઓ બિસ્માર્ક હાલતમાં જોવા મળી રહ્યા છે. સ્વભાવિક છે કે હાઇવે ઉપર આવેલા ગામડાઓનો વિકાસ પણ સારો એવો થતો હોય છે. પરંતુ આ ગામની ગ્રામ પંચાયતમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ ઉઠી છે. બિસ્માર્ક રોડથી લઈને પાયાની સુવિધાની અછત તેની ચાડી ખાય છે.
મુમનવાસ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સકિના બેન ચૂંટાઇને આવ્યા હતા. જોકે, બધો કારભાર તેમના પતિ દાઉદ ભાઈ આગલોડિયા કરતાં હતા. પરંતુ હાલમાં તેઓ સાઉથ આફ્રિકાના પ્રવાસ ઉપર છે, તો ગામનો બધો ભાર મહિલા ડે. સરપંચ ઉપર આવી પડ્યો. પરંતુ ડેપ્યુટી સરપંચે પણ પોતાનો બધો વહીવટ પોતાના પુત્ર અહેમદ માકણોજિયાને આપ્યો છે.
મુમનવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાઓની સીટ હોવાથી માત્ર દેખાવ પૂરતી મહિલાઓને ઉભી રાખવામાં આવે છે. સરપંચ તરીકે બધો વહીવટ પુરૂષો જ કરતાં હોય છે. પરંતુ મુમનવાસમાં તો પુરૂષો પણ હાજર નથી રહેતા તો સત્તાવાર રીતે ચૂંટાઈને આવેલા મહિલા સરપંચો તો મોઢૂં પણ પારકા પુરૂષને બતાવવા માટે તૈયાર નથી. તેવામાં ગામના કામો ટલ્લે ચડેલા રહે છે. મહિલા સરપંચના વહીવટદાર પતિ આફ્રિકા ફરી રહ્યા છે તો ડેપ્યુટી સરપંચનો પુત્ર પોતાના વ્યક્તિગત કામગીરીમાં વધારે સમય આપતા ગ્રામ પંચાયતની “જવાબદારી” પોતે જ અનાથ બની ગઈ છે. ભ્રમ ભરેલી સ્થિતિ ઉભી કરવામાં આવી હોવાથી ગામનો વિકાસ કઈ રીતે થઈ શકે?
સરપંચ અને ઉપસરપંચે ગ્રામજનોના જીવનને અસહ્ય બનાવવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. જો મુમનવાસ ગ્રામ પંચાયતમાં પાછલા ત્રણ વર્ષેમાં થયેલી કામગીરીનો લેખો-જોખો કાઢવામાં આવે તો ચોક્કસ રીતે અનેક ભ્રષ્ટાચાર ઉજાગર થઈ શકે છે. કોઈ ગામવાસી સરપંચ કે ઉપસરંપચ પાસે ગ્રામ પંચાયત સાથે સંબંધિત કામ માટે આવે તો તેને અનેક ધક્કા ખવડાવવામાં આવતા હોય છે. કોઈ વખત જવાબદાર વ્યક્તિ ન મળે તો કોઈ વખત જવાબદાર વ્યક્તિ હોવા છતાં જવાબદારીમાંથી છટકી જતો હોય છે. આમ પંચાયતના કામ પણ એકબીજાના માથે નાંખીને ગામના લોકોની મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
સરપંચ અને ઉપસરપંચના રેઢિયાળ ખાતાના કારણે ગામવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. ગામ પંચાયતને લગતા નાનામાં નાના કામ માટે ખુબ જ વધારે સમય બગાડવો પડતો હોય છે. ગામમાં તલાટી આવે ત્યાર સુધી ગામ પંચાયત ખુલ્લી રહે છે, તેમના જતાં જ ગામ પંચાયતને ખંભાતી તાળા લગાવી દેવામાં આવે છે.
સરકાર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ ગામડાઓને આપે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે, મુમનવાસના ખરાબ રસ્તાઓથી લઈને ગ્રામ પંચાયત નાનામાં નાના કામ કરવામાં નિષ્ફળ દેખાઈ રહી છે તો શું સરકારે પાછલા સાડા-ત્રણ વર્ષમાં ગામને કોઈ ગ્રાન્ટ જ આપી નથી? શું ગ્રામ પંચાયતની બીજી કોઈ જ આવક નથી? ગ્રામ પંચાયતમાં સરપંચ કે ઉપસરપંચ સહિત સભ્યો પણ હાજર રહેતા નથી.
કોઈ વ્યક્તિને ગામ પંચાયતમાં કંઈ કામ હોય તો ઉપસરપંચના પુત્ર અહેમદને ફોન કરીને બોલાવવા પડે છે. અહેમદ મોટા ભાગે હાજર ન રહેતા હોવાથી ગ્રામ પંચાયતના અન્ય સભ્યો પાસે કામ કરાવવાની ફરજ પડે છે પરંતુ તેમના પાસે સીમિત સત્તા હોવાથી સરકારી કામ ખોરભે ચઢે છે. તો ગામમાં ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવો ઘાટ સર્જાયો છે. વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, ગામમાં ગ્રામ પંચાયત તો કથિત રીતે ભ્રષ્ટાચાર કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ ગરીબોને ફાળવવામાં આવતી જમીનના પ્લોટને બારોબાર નામે ચઢાવીને તેના ઉપર એક કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી દેવામાં આવી છે.
આ અંગે ઉપરથી નોટીસ પણ આપવામાં આવી છે. પરંતુ ભ્રષ્ટાચાર હોય ત્યાં નરોવા કુંજરોવા ચાલે તેમાં શું નવાઈ છે. જોકે, આગામી સમયમાં મુમનવાસ ગ્રામ પંચાયતામાં ચાલતા ભ્રષ્ટાચાર અને કામચોરીને ઉજાગર કરવામાં આવશે. તો ગામમાં બની રહેલી ગેરકાયદેસર બિલ્ડીંગ વિશે પણ મસમોટો ખુલાસો કરવામાં આવશે.